સારા ન્યુઝ, રાજકોટ
પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલ ખાતે કમિશનર (આરોગ્ય) અને અગ્ર સચિવ આરોગ્ય અને પરિવાર કલ્યાણ હર્ષદ પટેલના અધ્યક્ષસ્થાને ૧૪ મી ગવર્નિંગ કાઉન્સિલ કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી જેમાં સ્વચ્છતા, સફાઇ, દવાઓ જરૂરી સેવાઓ, કર્મચારીઓના શ્રેષ્ઠ પર્ફોમન્સ, દર્દીઓની ઝડપી રિકવરી સહિતના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં દર્દીઓ માટે જરૂરી સાધન સહાયની ખરીદીને મંજૂરી આપવામાં આવી હતી, તેમજ દર્દીઓના હિત માટે જરૂરી દવાઓની ખરીદી બાબતે સાવધાની રાખવા જણાવ્યું હતું. પ્રાઇવેટ એમ્બ્યુલન્સ માત્ર બહારથી દર્દીઓને અંદર તેડવા-મૂકવા જ આવ-જા કરી શકશે, હોસ્પિટલના કેમ્પસમાં ૧૦ મિનિટથી વધુ ઊભી રહી શકશે નહીં.
કમિશનર દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) અંતર્ગત કરવામાં આવેલી કામગીરીમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ સમગ્ર ગુજરાતમાં મોખરે હોવાથી તમામ સ્ટાફ તથા ડૉ. મોનાલીના નેતૃત્વની સરાહના કરવામાં આવી હતી. (PM-JAY) અંતર્ગત એપ્રિલ-૨૦૨૫ થી લઈને ઓગસ્ટ ૨૦૨૫ સુધીમાં ૧૩ હજારથી વધુ કેસ ક્લેમ કરવામાં આવ્યા છે, જેના માટે અત્યાર સુધીમાં રૂ.૧૦ કરોડ થી વધુની રકમ રાજકોટ સિવિલ હોસ્પિટલને ચૂકવવામાં આવી છે.
