સારા ન્યુઝ, દાહોદ
સમગ્ર રાજ્ય સહિત જિલ્લામાં આગામી તા.૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬ થી ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થનાર છે. બોર્ડની પરીક્ષાની પૂર્વ તૈયારીના ભાગરૂપે કેબિનેટ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને રાજ્યકક્ષા શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાની વર્ચુઅલ ઉપસ્થિતિમાં સ્થાનિક સબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપવા અર્થે વિડિઓ કોન્ફરન્સ યોજાઈ હતી. જે અંતર્ગત જિલ્લા કલેક્ટર કચેરી દાહોદ ખાતે નિવાસી અધિક કલેકટર શ્રી જે. એમ. રાવલની ઉપસ્થિતિમાં વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી.
આ વિડીયો કોન્ફરન્સમાં પરીક્ષા સંબંધે થયેલ તૈયારીની રૂપરેખા,પરીક્ષાના કાયદા અને વ્યવસ્થાપન, ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવા બાબત, કેન્દ્રોની સંખ્યા, બ્લોક વ્યવસ્થા, સંવેદનશીલ કેન્દ્રો પર SRP જવાનોની ટુકડી રાખવા, તમામ પરીક્ષા સ્થળો ઉપર યોગ્ય સીસીટીવી વ્યવસ્થા અંગેની બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જીલ્લા કક્ષાએ કંટ્રોલરૂમ, સતત વીજપુરવઠો શરૂ રહે તે માટેનું આયોજન, રૂટ પોલીસ ગાર્ડ, ઝોનલ કચેરી/સ્ટ્રોગરૂમ ઉપર પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા, પરીક્ષા દરમ્યાન કોઈ વિદ્યાર્થી અથવા પરીક્ષામાં રોકાયેલ અધિકારી/કર્મચારીને જરૂર પડયેથી ફર્સ્ટ એઈડરી વ્યવસ્થા કરવા,ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે બસ વાહન વ્યવહારની સગવડ કરવા વગેરે બાબતે સમીક્ષા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે દાહોદ જીલ્લામાં ધો. ૧૦ માં કુલ ૩૭ કેન્દ્રોના ૧૨૧ બિલ્ડીંગના ૧૧૮૭ બ્લોક ઉપર ૩૫,૨૫૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.ધો. ૧૨ માં સામાન્ય પ્રવાહમાં કુલ ૨૩ કેન્દ્રોના ૮૧ બોલ્ડિંગના ૮૩૫ બ્લોક ઉપર ૨૪,૯૪૭ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જયારે ધો.૧૨ ના વિજ્ઞાન પ્રવાહમાં કુલ ૦૩ કેન્દ્રોના ૦૭ બિલ્ડીંગના ૧૦૪ બ્લોક ઉપર ૨૦૩૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
આ વિડીયો કોન્ફરન્સ દરમ્યાન જિલ્લા શિક્ષણાધિકારી એચ.એલ.દામા, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ઉદય ટીલાવત, નાયબ પોલીસ અધિક્ષકશ્રી દાદોદ, સહિત સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
